હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

જૂન 30, 2009

Gujarati Bhasha Saral nahi bane to nashesh thashe dr Yogendra Vyas – Sasdesh

Filed under: Uncategorized — Himanshubhai Mistry @ 9:28 પી એમ(pm)

તા. ૩૦ જુન, ૨૦૦૯ના ‘સંદેશ’ દૈનીકના પાન ૮ પરથી સાભાર..
ગુજરાતી ભાષા સરળ નહીં બને તો નામશેષ થશે (આપણી વાત)
–ડૉ. યોગેન્દ્ર વ્યાસ

ગુજરાતી ભાષા બોલતા ભાષકોની સંખ્યા ફ્રેન્ચ ભાષા બોલતા કે જર્મન ભાષા બોલતા ભાષકો કરતાં ઓછી નથી છતાં ભવિષ્યમાં લુપ્ત થનારી ભાષાઓની યાદીમાં

ગુજરાતીને સ્થાન મળ્યું છે, ફ્રેન્ચ કે જર્મનને નહીં. આવું કેમ થયું ? જરા સમજીએ.

ગયા મહિને ફ્રેન્ચ શિક્ષક શ્રી ચિંતન પંડયા સાથે એક ફ્રેન્ચ યુવતી કલેર-દાલીન્યી મળવા આવેલી. કટકે કટકે દોઢેક વરસ એણે ગુજરાતમાં નિવાસ કર્યો છે. ૨૦૦૯ના શરૃના ત્રણ મહિના દરમિયાન તેણે નખત્રાણાથી પોરબંદર, પોરબંદરથી અમદાવાદ અને અમદાવાદથી દાંડીનો પગપાળા પ્રવાસ કર્યો છે. એક મોટા ગુજરાતી પ્રકાશકે તેને આ પ્રવાસ વિશે ગુજરાતી પુસ્તક લખવા સૂચવ્યું છે. એ ગુજરાતી નથી જાણતી એમ પણ નથી છતાં એ એને પહેલાં ફ્રેન્ચ ભાષામાં લખવાની છે. ફ્રેન્ચ ભાષામાં એ છપાશે એની એને કોઈ ખાતરી નથી છતાં આપણા કોઈ ફ્રાન્સમાં દોઢેક વરસ રહેલા ફ્રેન્ચ જાણતા ગુજરાતીને કોઈ ફ્રેન્ચ ભાષાનો પ્રકાશ પુસ્તક લખવા સૂચવે તો એ શું કરે ? પોતે સીધું જ ફ્રેન્ચ ભાષામાં એ લખી શક્યો છે એવું ગજગજ છાતી ફુલાવીને પ્રસ્તાવનામાં નોંધીને ગૌરવ અનુભવે કે નહીં ! ન સમજ્યા હો તો આ પરિચ્છેદ બરાબર સમજાય ત્યાં સુધી ફરી ફરી વાંચી જજો.

ગયા મહિને ડો. રવીન્દ્રભાઈ દવેએ જર્મન પ્રજાનો એક કિસ્સો એણે જાહેર પ્રવચનમાં કહેલો. તેઓ ચારેક દાયકાથી જર્મનીમાં વસે છે. જર્મન ભાષાની લેખન વ્યવસ્થામાં એક આખો વર્ણ (અક્ષર) વધારાનો. પરભાષીને જ નહીં, જર્મન ભાષકને પણ લખતાં લખતાં ઘણી વાર ગૂંચવાડામાં નાખનારો. છેલ્લા દસકામાં અનેક વાદ-વિવાદ- વિખવાદ- સંવાદને અંતે એ લેખન વ્યવસ્થામાંથી પડતો મૂકાયો. ભાષાએ ટકી રહેવા માટે સરળીકરણને સ્વીકારવું અનિવાર્ય છે એ એમનો પહેલો મુદ્દો હતો.

બીજી ભાષા પર ગમે તેટલું પ્રભુત્વ હોય તોય અભિવ્યક્તિની અસરકારકતા માટે માતૃભાષાના વપરાશની તોલે એ ન જ આવે એવી ફ્રેન્ચ યુવતીની સમજ જેટલી સામાન્ય સમજ કેળવાઈ હોય તો માતૃભાષાના વપરાશને પ્રાથમિકતા મળતાં એ વપરાશ બંધ થઈ જવાનો અવકાશ જ ન રહે.

પોતાની ભાષાના વપરાશમાં સરળીકરણને અવકાશ હોય તોય ‘શીખવાનું તો અઘરું જ હોય, દરેકે પૂરા ખંત અને ચીવટથી પ્રયત્નપૂર્વક એ અઘરું શીખવું જ રહ્યું’નો આગ્રહ રાખવાને બદલે જર્મન પ્રજા જેટલી સામાન્ય સમજથી ભાષાવપરાશ સરળ થતો હોય તો કરવો એવું વ્યવહારુ શાણપણ બતાવવામાં આવે તો ભાષા વપરાશની ક્ષિતિજો વિશાળ થતાં ભાષા લુપ્ત થવાની નોબત જ ન આવે.

ગુજરાતી ભાષાની લેખનવ્યવસ્થા સરળ થાય એવા પ્રમાણભૂત પ્રયત્નો ભૂતકાળમાં નથી થયા એમ પણ નથી. ગૂજરાત વિદ્યાપીઠે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ તૈયાર કર્યો ત્યારે જોડણીની એકવાક્યતાનો મુદ્દો કેન્દ્રમાં હતો. સંસ્કૃત લેખનવ્યવસ્થાની પરંપરાને ગુજરાતીએ પણ સ્વીકારી છે એ મહત્ત્વની વાત કોશ તૈયાર કરનારા વિદ્વાનો પૂરી રીતે જાણતા હતા છતાં ગુજરાતી લેખનવ્યવસ્થામાં સરળતા થાય એ માટે એમણે એક નવી પરંપરા ઊભી કરી જ. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ તૈયાર થયો એ પહેલાં બધા જ અનુનાસિક વ્યંજનો જોડાક્ષર તરીકે લખતા ત્યારે ઉચ્ચારણ અનુસાર લખવાની સંસ્કૃત પરંપરા ગુજરાતીમાં પણ ચાલુ હતી. આ પરંપરાને કારણે શાન્તિલાલ, કાન્તિલાલ, અમ્બાલાલ, ચન્દ્રકાન્ત, બિન્દુબેન, ઈન્દુભાઈકેઈન્દુબેન, શાન્તાબેન, કાન્તાબેન,સન્તપ્રસાદ,સરસ્વતીચન્દ્ર, ઈન્દ્રવદન વગેરે અનેક શબ્દોમાં અનુનાસિક વ્યંજન જોડાક્ષરના ભાગ તરીકે લખાયેલો જોવા મળે છે. હિન્દી ભાષાની લેખનવ્યવસ્થામાં તો આજે પણ આ જ રીતે અનુનાસિક વ્યંજન જોડાક્ષર તરીકે તેની સળંગ ઉચ્ચારણ અનુસાર ઓળખ થાય એ રીતે લખવાની વ્યવસ્થા છે. નોંધપાત્ર તો એ છે કે, આ લેખનવ્યવસ્થા ઉચ્ચારણને અનુસરનારી હોવા છતાં ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’માં નિયમ નંબર સાતમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, ‘અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહીં.’ અને પછી જો કે નોંધ કરવામાં અનુનાસિકો વાપરી શકાય. ઉદા. અંત, અન્ત, દંડ, દણ્ડ, સાંત, સાન્ત, બેંક, બેન્ક.’ વિકલ્પની આવી છૂટ આપવામાં આવી છે છતાં લગભગ બધા જ ગુજરાતીઓ (આંગળીને વેઢે ગણાય એટલા અપવાદો બાદ કરતાં) પોતાના લખાણમાં બધે જ અનુસ્વારનો ઉપયોગ કરે છે. આ કારણે લખાણમાં ગૂંચવાડા ઓછા થાય છે અને એકવાક્યતા જળવાય છે.

ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ની ત્રણેક વરસ પહેલાં પ્રગટ થયેલી નવી આવૃત્તિની પૂર્તિમાં પણ સરળીકરણની દિશામાં એક નાનકડો સુધારો કરવાની હિંમત સંપાદકોએ બતાવી જ છે. કોઈ એક સંપાદકનું ધ્યાન ગયું કે, છેલ્લાં એંસી વરસથી ચાલતા આવતા નેવું, એકાણું, બાણું વગેરે શબ્દોમાં અંતે અનુસ્વાર લખવામાં આવે છે. તે વ્યુત્પત્તિની દૃષ્ટિએ, વ્યાકરણની રીતે કે લેખન-પરંપરાની રીતે અનુસ્વાર છે જ નહીં, પણ ‘હાયપર કરેક્શન’થી એ ત્યાં પ્રવેશી ગયો છે. આ ધ્યાન જતાં જ ત્યાંથી એમણે અનુસ્વાર દૂર કરવાની હિંમત બતાવી જ.

હજુ ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ના સંપાદકોનું એ હકીકત તરફ ધ્યાન ગયું નથી કે છાશ, ડોશી, માશી વગેરે જેવા શબ્દોમાં વ્યુત્પત્તિની રીતે, વ્યાકરણની રીતે કે લેખનપરંપરાની દૃષ્ટિએ વૈકલ્પિક ‘શ’ છે નહીં. (જો હોય તો ડોશો, માશા જેવા શબ્દો પણ હોવા જોઈએ) ત્યાં માત્ર ને માત્ર ‘સ’નો એક વિકલ્પ છે. આશા રાખીએ કે આ લખાણ વાંચ્યા પછી ધ્યાન ખેંચાય અને ‘છાશ, ડોશી, માશી’ વિકલ્પને પણ એ વિદ્વાનો કોશમાંથી પડતા મૂકે.

સૌથી મહત્ત્વનું સરળીકરણ તો ઇ/ઈ અને ઉ/ઊના લેખનની વ્યવસ્થાનું થઈ શકે એમ છે. સંસ્કૃત સમયથી જ તિથિ/તિથી, રાત્રિ/રાત્રી, રાષ્ટ્રિય/રાષ્ટ્રીય, લહરિ/લહરી જેવા અનેક શબ્દોમાં ‘હ્રસ્વ–ઇ’ અને ‘દીર્ઘ–ઈ’ બંનેના વપરાશને માન્ય અથવા સ્વીકાર્ય ગણવામાં આવ્યો છે (એ જો કે જુદી વાત છે કે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’માં માત્ર ‘તિથિ’ શબ્દને જ માન્ય ગણવામાં આવ્યો છે. તિથિ શબ્દને કોશકારે સ્ત્રીલિંગી શબ્દ ગણ્યો છે અને ગુજરાતી વ્યાકરણ અનુસાર સ્ત્રીલિંગ સૂચક એકવચનનો પ્રત્યય હ્રસ્વ ‘ઇ’ નથી, પણ દીર્ઘ‘ઈ’ છે. એટલી જાણ તો કોશકારને હોય જ એટલે ‘તિથી’નો વિકલ્પ માન્ય ગણાય એ વધુ તર્કપૂર્ણ અને વ્યાકરણ સંમત હોવા છતાં કોશકાર તો ‘તિથિ’ના એકમાત્ર વિકલ્પને માન્ય તરીકે રજૂ કરે છે. ‘કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં’એ કહેવત એમનેમ થોડી પ્રચલિત છે !) હવે બે વિકલ્પો સ્વીકાર્ય હોય ત્યાં લખાણમાં વધુ સરળ વિકલ્પ સ્વીકારવાનું વલણ હોવું જોઈએ, પણ આપણે જોયું એમ વ્યાકરણમાન્ય અને તર્કપૂર્ણ ‘તિથી’ને બદલે ‘તિથિ’નો વિકલ્પ સ્વીકારે એવા આપણા કોશકાર !

વળી આખા ગુજરાતના બધા વિદ્વાનોએ સ્વીકાર્યું છે કે, ગુજરાતી ભાષાની ધ્વનિવ્યવસ્થા અને તેથી ઉચ્ચારણવ્યવસ્થામાંથી ઇ/ઈનું અને ઉ/ઊનું અલગપણું ચારસો વરસથી દૂર થઈ ગયું છે. શાળા-મહાશાળાઓમાં એવું શીખવાય પણ છે કે, ગુજરાતમાં માત્ર આઠ સ્વરો છે, પણ સંસ્કૃત શબ્દોમાં તેથી વધુ સ્વરો વપરાતા તેથી સંસ્કૃતમાંથી સીધા ઉછીના લીધેલા શબ્દોમાં આઠ કરતાં વધુ સ્વરો લખાણમાં દેખાય છે. સંસ્કૃતમાંથી ઊતરી આવેલા તદ્ભવ શબ્દોમાં તે લેખનમાંય આઠ સ્વરોથી કામ ચલાવાય તો ગૂંચવાડા ઓછા થાય. આપણા ગોવર્ધનરામ ત્રિપાઠી, હરિવલ્લભ ભાયાણી, પ્રબોધ પંડિત, પુરુષોત્તમ મિસ્ત્રી જેવા વિદ્વાનો પણ લેખો લખી લખી થાકી ગયા કે લખાણમાં તો એક જ ઇ અને એક જ ઉ વપરાવાં જોઈએ. આખરે ૯-૧૦ જાન્યુઆરી, ૧૯૯૯માં ઊંઝામાં મળેલી ‘અખિલ ગુજરાત જોડણી પરિષદ’માં ભેગા થયેલા અઢીસો જેટલા દેશ-વિદેશમાં વસતા ગુજરાતી વિદ્વાનોએ ઠરાવ કર્યો કે, “ગુજરાતીમાં ‘ઇ-ઉ’ની જોડણીના પ્રવર્તમાન નિયમો અર્તાિતક અને ઘણી વિસંગતતાઓથી ભરેલા છે તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઇ-ઉ’નું હ્રસ્વત્વ- દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવિક પણ છે.

તેથી હવે પછી તે નિમયો છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઇ-ઉ’ યોજવા.” આવો ઠરાવ તો ‘ગુજરાતી સાહિત્ય પરિષદે’ છેક ૧૯૮૭માં પદ્મશ્રી કે. કા.

શાસ્ત્રીજીની અધ્યક્ષતામાં નીમેલી સમિતિએ પણ કર્યો હતો, પણ સાંભળે કોણ ? અને સાંભળે જ નહીં તો અમલ પણ કોણ કરે ?
બાકી નાનકડા જાપાને ચીનથી આયાત કરેલી લિપિને પોતાની ભાષા માટે ઉપયોગમાં લેતાં લેતાં અત્યંત સરળ બનાવી જ અને અંગ્રેજીની ગરજ ન રહે એવી તાકાતવાન પોતાની ભાષાને બનાવી એ ઉદાહરણ તો હજુ સાવ તાજું છે. ભાષાના વપરાશને સરળ બનાવવામાં ન આવે તો એનો વપરાશ કરનારની સંખ્યા ઘટે જ અને ભાષાનો વપરાશ કરનારની સંખ્યા ઘટે તો… વાત પૂરી.

ડૉ. યોગેન્દ્ર વ્યાસ,
નિવૃત્ત અધ્યક્ષ, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
સંપર્કઃ 347, સરસ્વતીનગર, અમદાવાદ–380 015 ફોન078-2675 2675

June 30, 2009

With courtesy of ‘Sandesh’ of June 30, 2009 by- uttamgajjar@gmail.com

Advertisements

1 ટીકા »

  1. હા ભાઇ ! ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. મીટાવી જ નાખો આ હષ્વ ઇ અને દીર્ઘ ઇ નો ફરક.

    ટિપ્પણી by Amin Saluji — ઓગસ્ટ 6, 2012 @ 5:21 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: