હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

નવેમ્બર 17, 2007

પ્રભુ! નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો ! — હરિભાઈ કોઠારી

Filed under: કવિતા — Himanshubhai Mistry @ 8:02 પી એમ(pm)

પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !
પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,
બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો,
સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો,
પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો ,..પ્રભુ …

થજો વેદોતણું ગર્જન અને ત્યાં પાઠ ગીતાનો,
વળી તારા બનેલા વિપ્રનું જયાં ભાવપૂજન હો,
રહે વાતાવરણ પાવન અને મંગલ દિશાઓ હો, …પ્રભુ…

પ્રભુનાં પુષ્પ સમ નાનાં મલકતાં બાળ એમાં હો,
દીસે નિષ્પાપતા ચહેરે અને શૈશવ ખીલેલું હો,
ખરે તારાં જ સંતાનો, વલણ પણ તુજ તરફનું હો, …પ્રભુ…

ગૃહિણી ઘર દિસે સાચી બધું સૂનું વિના એના,
બની પ્રિયવાદિની ભાર્યા , જીવન મુજ એ ભરી રહેજો,
નિહાળી એકબીજાને પરસ્પર સ્નેહવૃદ્ધિ હો, … પ્રભુ…

ધરે સીતાતણો  આદર્શ એ, મમ રામ દ્રષ્ટિમાં,
પરસ્પરને સુખી  કરવા, રહે એ ખ્યાલ  સૃષ્ટિમાં,
મધુરતા નાચતી વદને રહો, વાયુ સુગંધી હો, … પ્રભુ…

ખરાં મિત્રો અને સંતો ઘરે મુજ આવતા રહેજો,
અને  સચ્ચાઇની લક્ષ્મી સદા ભવને વદી રહેજો,
પરસ્ત્રી માત હું માનું, પરાયું દ્રવ્ય માટી હો, … પ્રભુ…

તને ગમતાં અને તારાં જ કામોમાં મતિ રહેજો,
વધે શક્તિ છતાં ભક્તિ અને પ્રીતિ ચરણ તવ હો,
રહું બહું દુષ્ટથી આઘો અને સંગત સુજનની હો, …પ્રભુ…

— હરિભાઈ કોઠારી 

Haribhai Kothari

ઓક્ટોબર 13, 2007

એક વાર નું ઘર – જયંત પાઠક

એક વાર નું ઘર

આ આપણું એક વારનું ઘર : . . .

આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાના કડાંમાં;

આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં; . . .

કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;

લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઇ છે,
બા એને અંધારામાં ખોળે છે

– જયંત પાઠક

ઓક્ટોબર 9, 2007

ડાહ્યો દીકરો -by- વિપિન પરીખ

Filed under: કવિતા — Himanshubhai Mistry @ 9:29 પી એમ(pm)

મમ્મી રોજ સવારે ઑફિસે જાય છે.
મમ્મી રોજ સવારે ઉતાવળમાં હોય છે.
મમ્મી જતી વખતે મને ખૂબ વહાલ કરે છે,
બકી ભરી મને કહે છે :
“મારો ડાહ્યો દીકરો છે ને ! તોફાન નહીં કરતો,
યમુનાબાઈને પજવતો નહિ;”
અને મને એક ચોકલેટ આપે છે.
હું યમુનાને પજવતો નથી.
બાઈ મને વાર્તા કહે છે –
વાંદરાની, હનુમાનની,
રાક્ષસની, રામની, રાવણની, સીતાની…..
સાંજે મમ્મી ખૂબ થાકીને ઘરે આવે છે,
અને વળી પર્સમાંથી એક ચોકલેટ આપે છે.
હું એને પૂછું છું :
“રાવણ સીતાને શા માટે ઉપાડી જાય છે મમ્મી ?”
મમ્મી કહે :
“હું ખૂબ થાકી ગઈ છું આજે.
રવિવારે તને રાવણની વાત કહીશ

– વિપિન પરીખ

માર્ચ 19, 2007

અમે કોમળ કોમળ.

Filed under: કવિતા — himanshumistry @ 5:02 પી એમ(pm)

અમે કોમળ કોમળ.

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ.
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂવેં રૂવેં કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ,
ઊના તે પાણીએ ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ…

પે’ર્યાં ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ગુલાબી,
આંખમાં રાત્યું આંજતા રે અમે ઘેન ગુલાબી.
કેંડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો રે અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો :
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

Blog at WordPress.com.