હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

ડિસેમ્બર 11, 2013

જનેરિક વાર્તા — મધુ રાય

Filed under: ગુજરાતી,વાર્તા,varta — Himanshubhai Mistry @ 9:24 એ એમ (am)

ઘણા વખતે એક સરસ વાર્તા વાંચવા મળી, ઇ–મેઇલમાં મારા મિત્રે મોકલી…

જનેરિક વાર્તા — મધુ રાય

              કિમી સાથે તેણે લગ્ન કર્યાં ત્યારે જ તેના દોસ્તોએ કહેલું કે અલ્યા ગ્રીનકાર્ડ માટે તને બકરો બનાવે છે. નિરંજન કિમી કરતાં પંદર વર્ષ મોટો હતો, કિમી એની સ્ટૂડન્ટ હતી, પહેલી બેન્ચમાં બેસીને તેની સામે આંખો પટપટાવતી, ધ્યાનથી, રસથી, મંત્રમુગ્ધ થઈને તેને સાંભળતી હતી, નોટ્સ લેતી હતી, ક્લાસ પછી પ્રશ્ન પૂછવા રોકાતી હતી, કોઈ પણ જનેરિક પોર્ન–સ્ટોરીની જેમ જ કિમીએ તેને સિડ્યુસ કર્યો હતો, યસ, યસ, યસ! (‘સાલા, લગ્ન કરીશ તો બીજા દિવસે છોકરીનાં માબાપ ને ચાર ભઈઓ ને બહન બનેવી ને કઝિનો તારા ઘરે રહેવા આવી જશે. સ્ટુપિડ! તને કેથલિક બનવા ફોર્સ કરશે. ’) નિરંજનને તે બધી જાણ હતી અને તે માટે તેના દોસ્તોની રાયની તેને જરૂર નહોતી. લિસન, નિરંજન જાતે બુદ્ધિશાળી હતો, અને કોઈ તેને ફસાવે ત્યારે તેને ખબર ન પડે તેવું ન હતું. પણ કિમીને જોઈને તેને અંદરથી ઉત્પાત થતો હતો કે આ બદન ભોગવવા મળે તો બસ, અપના લાઇફ બન ગયા. કિમીની એશિયન, ચાઇનીઝ આંખોથી તેના બદનમાં એક પોઝિટિવ સંચાર થતો, કોઈવાર તે બોલતી ત્યારે એના મોંમાંથી આવતી‘અખાદ્ય’ ખોરાકની આછી સોડમ નિરંજનને પાગલ કરતી. કોઈ પ્રિમિટિવ, એનિમલ ખેંચાણથી નિરંજન કિમીની ‘બોડી સ્પેસ’ને ઇનવેઇડ કરવા એના સ્નાયુઓ અધીર થતા. એના કેટલાક બદમાશ દોસ્તો પણ હતા અને તે લોકોના મતે ભલે ને એક વરસ કે એક મહિનોયે ‘આવો માલ’ સાથે રહે તો પૈસા વસૂલ, યાર! છોને ગ્રીન કાર્ડ મલે એટલે એનો ઓરિજિનલ બોયફ્રેન્ડ જે હોય તેની સાથે જોઇન્ટ થઈ જાય, ડિવોર્સ આપી દેવાનો યાર, શી હાય હાય! ફાઇન, કિમી પાસે ગ્રીનકાર્ડ નથી, કિમી અમેરિકામાં રહેવા માગે છે. નિરંજન વિધુર છે. સિટીઝન છે. પૈસેટકે સુખી છે. લોસ એન્જલસના હાઇરાઇઝ લક્ઝરી બિલ્ડિંગમાં તેનો ફેશનેબલ કોન્ડોમીનિયમ છે, ને કિમી માટે એનો માંહ્યલો ધગધગે છે, તો વ્હાય ધ હેક્ક નોટ!

અને બંનેએ લગ્ન કરી લીધાં. તેના પેલા કેટલાક જક્કી દોસ્તો અને એમની એવી જ જક્કી પત્નીઓએ લગ્નમાં આવવાની પણ ના પાડેલી, બિકોઝ ઇટ ઇઝ એ ફ્રોડ! છોકરી સાથે મળીને નિરંજન અમેરિકાની સરકારને ઉલ્લુ બનાવવાની કોન્સ્પિરસી કરે છે. વ્હાય શુડ વી ગેટ ઇન્વોલ્વ્ડ? પણ નિરંજનના પેલા બદમાશ દોસ્તો અને એમની બદમાશ પત્નીઓ વેડિંગમાં ઉત્સાહથી આવેલી. દોસ્તોએ છૂટથી કિમીને ડિલીશિયસ ડિશ કહીને વખાણેલી. કિમીએ અત્યંત ગુણીયલ પત્નીના અભિનયથી સોગંદવિધિ કરેલો. પાદરીએ ચુંબન કરવા કહ્યું ત્યારે બંનેએ આવેશથી ચુંબન કરેલું અને મધુરજની માટે બંને નાયગ્રા ફોલ્સની એક રિમોટ હોટેલમાં ભાગી ગયેલાં.

પાછાં આવીને વરઘોડિયાંએ નિરંજનના કોન્ડોમીનિયમમાં સંસાર માંડેલો. જનેરિક વાઇફની જેમ કિમીએ કોન્ડોને પોતાની મરજીથી રિનોવેટ કરાવેલો. એકએક ક્ષણ સોનાની લગડીની જેમ નિરંજને માણેલી. અરે હા બાબા, નિરંજનને સ્પષ્ટ જાણ હતી કે આ બધું ત્રણ વર્ષમાં છૂ થઈ જવાનું છે. બટ યુ ઓન્લી લિવ વન્સ! સો લિવ, ડેમિટ, ગેટ ઓલ ધેટ યુ કેન પુટ યુર હેન્ડ્ઝ ઓન! ઓલ ધ ફન યુ કેન ગેટ, મેન! કિમી સહેજ પણ અણસાર આપતી નહોતી કે તેની ગણતરી શી છે. હૂ કેઅર્સ! મને ખબર છે એની ગણતરી શી છે, આઈ વોઝ નોટ બોર્ન યસસ્ટરડે! તેના જક્કી દોસ્તોએ ડિમાન્ડ કરેલી કે લગ્ન પહેલાં ‘પ્રિનપ્ચુઅલ એગ્રીમેન્ટ સહી કરાવી લેજે, યુ ફૂલ, નહીંતર ડિવોર્સ વખતે તારો કોન્ડો ફોન્ડો તો લઈ લેશે, અને તારો બેન્ક એકાઉન્ટ આખો ભરખી જશે, સ્ટુપિડ. ’ઓકે, એ પણ થયેલું, કિમીએ કોઈ તકરાર વિના એગ્રીમેન્ટમાં સાઇન કરી આપેલી, કોઈ કારણે મેરેજ ‘વર્ક ન કરે’ તો બંને પોતપોતાના બેન્ક એકાઉન્ટ સંભાળી છૂટા થશે, કોઈની મિલકત ઉપર સામાનો કોઈ હક નહીં નીકળે. જક્કી દોસ્તોએ એમ પણ લખાવી લેવાનું કહેલું, (‘સાલા, યુ ડોન્ટ નોવ ધિસ વિમેન! ચાયનાટાઉનથી પોતાના બોયફ્રેન્ડને બોલાવીને તારું મરડર કરાવે તો?’) કે તું વહેલો મરી જાય તોયે તારી મિલકત તારા ભાઈબહેનોને જાય, આ છોકરીને નહીં. તેઓ ફિટકારથી કિમીનો ઉલ્લેખ ‘છોકરી’ કે તેનાથીયે હલકા, ‘બિચ્ચ’, ‘ગોલ્ડડિગર’, કે સ્ત્રીના ઉપાંગના અશ્લીલ નામથી કરતા. ઇટ વોઝ ઓકે. તે લોકો નિરંજનનું હિત જોતા હતા, એમાં થોડાક એગ્રેસિવ થઈ જતા હતા. નો બિગ ડીલ. એટલે એ ફ્રન્ટ ઉપર બધું ઓકે હતું. અને નવદંપતી જનેરિક ન્યૂલીવેડ્ઝના ઝનૂનથી તે તે બધું કરતાં હતાં જે જે બધું એમનો સંસાર હન્કી ડોરી છે તેની ખાતરી આપે.

સો! ત્રણ વર્ષની મેન્ડેટરી મુદ્દત પૂરી થઈ અને કિમીને ગ્રીનકાર્ડ મળી ગયું. હવે એક–એક દિવસ નિરંજન માટે સાચી મધુરજનીનો દિવસ હતો. જેટલા દિવસ મળે તે બોનસ. કિમી જુવાન છે, અને યુ નોવ, એક દિવસ એ વહેલો ઘરે આવશે ત્યારે કિમીને તેના ગાર્ડનર સાથે કે પિઝા ડિલીવરી બોય સાથે કેલી કરતી જોશે, રાબેતા મુજબ કિમી તેને પ્રોસ્ટેસ્ટ કરતાં કહેશે, ‘આઈ કેન એક્સપ્લેઇન!’ અને રાબેતા મુજબ નિરંજન પોતાનાં થોડાં કપડાંની બેગ લઈને મોટેલમાં રહેવા જશે; વકીલની નોટિસ મોકલશે. થોડી રકઝક પછી બંને છૂટાં થશે. કિમી તેના સપોઝેડ ઓરિજિનલ બોયફ્રેન્ડ સાથે ફરી પરણી જશે. નિરંજન જાણે ચાઇનાની કે પેન્ટગોનિયાનાં રેઇન ફોરેસ્ટની એવી કોઈ એક્ઝોટિક ટ્રિપ ઉપરથી પાછો આવ્યો હોય એમ આખા એપિસોડને ભૂલીને ફરી પોતાના કામે વળગશે. જાણે કશું બન્યું જ નહોતું. પણ જે બનેલું તેની ‘કસક’ યસ, ‘ટીસ’ એને બાકીનાં વર્ષોમાં પ્રમોદ આપશે. હ્યુમન નેચર, યુ સી.

અથવા, કિમી રોજની જેમ એક સવારે બ્રેકફાસ્ટના ટેબલ ઉપર કહેશે કે શી વોન્ટસ આઉટ! અને બંને જુદા સૂવાનું શરૂ કરશે, કોઈ ધાંધલ વિના વકીલ–ફકીલ પોતાની ઇનિંગ્ઝો રમશે ને ફરી આખરે બંને સિંગલ તરીકે પોતપોતાનાં જીવનમાં ગરકાવ થવા પોપોતાના રસ્તે પડશે. નિરંજન બેવકૂફ નથી, ઓકે? હી ઇઝ રેડી. હી ઇઝ પ્રિપેર્ડ! હી ઇઝ સ્માર્ટ! હી ઇઝ ઓકે વિથ ઇટ! બદમાશ દોસ્તો કહેતા, યુ ગોટ ઇટ મેઇડ, સાલા એન્જોય હર, એન્જોય લાઇફ. બેડમાં બરાબર છે ને? બસ! ને યસ, બેડમાં કિમી મોર ધેન બરાબર હતી. અને કમાલની વાત એ હતી કે જાણે આ મેરેજ કદી તૂટવાનું ન હોય એવી નિરાંતથી, એના કશા સિનિસ્ટર પ્લાન્સ ન હોય એવી સાલસતાથી નિરંજનને કોટી કરતી, કિસી  કરતી ને ટાઇમ ટુ ટાઇમ મોર ધેન બરાબર હતી. ડેયલી મોર ધેન વન ટાઇમ, મોર ધેન બરાબર, સો હેક્ક વિન ઓલ અધર બુલ! યુ હીયર મી? ઘણી વાર નિરંજનને થતું, કદાચ શી ઇઝ સિન્સિયર! કદાચ કિમી નિરંજનની રેડિયેટિંગ ટેલેન્ટથી પ્રભાવિત છે; ને નિરંજન ‘લેસ ધેન બરાબર’ હોય તો તેનીયે કિમીને પડી નથી, કેમકે તે ઘણી વાર કહેતી કે આઈ એડોર યુ! માઇન્ડ યુ, લવ યુ નહીં, એડોર યુ! તને ચાહું છું નહીં, તારી ઉપાસના કરું છું! લવ કરતાં મેયબી લેસ સેક્સી, પણ ઇનેવે વન ડિગ્રી સ્વીટર, નો? વિમેન લોકોને સેક્સની એટલી ઇચ્ચ નથી જેટલી માયાની, મોહબ્બતની, દુલારની ઇચ્ચ હોય છે. ધે કેન ગેટ ઓવર એનીથિંગ, ઇફ યુ ટ્રીટ ધેમ રાઇટ! (‘સાલાને બુઢાપામાં ઇચ્ચ ઊપડી છે, મરવાનો છે, ગેરન્ટીડ!’)

અને કિમીએ ઇન્ડિયન વાઇફનો રોલ ભલે નહોતો અંગીકાર કર્યો, કોઈ વાર સાડી બાડી પહેરે, કૂકબુક કન્સલ્ટ કરીને ઉપમા કે ટીનનું ઊંધિયું બનાવે, ફાઇન. પણ જલારામ બાપાની કંઠી પહેરે કે શંકર ભગવાનના ફોટા સામે ભજન કરે એવું કાંઈ નહીં. મીન્સ કે કિમી વોઝ કિમી, કમલા ફમલા નહોતી બની ગઈ, યુ ગેટ ધ પિક્ચર, નો?

અને ચોથું વર્ષ પૂરું થયું ત્યારે તેના જક્કી દોસ્તો ને એમની બટકબોલી પત્નીઓ નરમ પડેલાં. કોઈ ઉત્પાત વિના રેગ્યુલર વાઇફની જેમ કિમી ઘર ચલાવતી હતી, રોઝેલા નામની ફુલટાઇમ હાઉસકીપર ઘર ચલાવતી હતી અને કૂકિંગ પણ કરતી હતી; સવારે હસબન્ડ વાઇફ પોતપોતાની જોબે જતાં. નિરંજન યુનિવર્સિટીમાં ટેન્યર્ડ પ્રોફેસર હતો; કિમીને એડવર્ટાઇઝિંગ એજેન્સીમાં ગ્રાફિક ડિઝાનરનું કામ મળેલું. કોઈ વાર બપોરે લંચમાં બંને મળતાં. સાંજે ઘરે ડિનર. કોઈ વાર ઈટિંગ આઉટ! ખાસ ઉડાઉ ખર્ચા નહોતા. કિમીનાં સગાંવહાલાં કોઈ વાર ફોન કરતાં. કિમીની બેત્રણ બહેનપણીઓ હતી. આવે, શોપિંગમાં જાય, મેયબી સિનેમા કે બેલએ. કોઈ વાર નિરંજન ને કિમી થિયેટર કે કોન્સર્ટમાં જાય. બંનેના મ્યૂઝિકના શોખ જુદા હતા. પણ તેનો કોઈ ઇશ્યુ નહોતો. કોઈ રીયલ કનડગત નહોતી. બધું એવું સ્ટોરીબુકની જેમ સરિયામ હતું. પણ નિરંજન જાણતો હતો કે યહ સબ ઝૂઠ હૈ! (‘ઓકે, તો સાલા તમે લોક બેબી કેમ બનાવતા નથી હવે, હેંય?’)

(૨)

પહેલી નજરથી જ કિમી ચેન્ગના ઘૂંટણ ડગમગી ગયેલા, નિરંજનને જોઈને. પોતાના કરતાં પ્રોફેસર નિરંજન લાડ પંદર વર્ષ મોટા હતા. ઇંગ્લિશ લિટરેચર ભણાવતા હતા, સ્વિનબર્ન કે જોન ડન્ન, કે વોલ્ટ વ્હિટમનની કવિતા વિશે વાત કરતા ત્યારે કિમી મેજિક કાર્પેટ ઉપર આળોટવા લાગતી. કિમી પોતાની ઉંમરના છોકરાઓના વિચાર કરતી ત્યારે ઊબકા આવતા. ડેઈટ ઉપર જાય તો ગાડીમાં બેસતાં વેંત છોકરાઓ તેની છાતી ઉપર આક્રમણ કરતા, શિટ! અને તેનું મોંઢું એંઠું કરતા, યે ગોડ્ડ! પ્રોફેસર દસ ફુટ દૂરથીયે તેનો શ્વાસ ઊંચો કરી શકતા, તેની તરફ નજર કર્યા વિના પણ તેને ભીની કરી દેતા. કિમીના કાનમાંથી જાણે લોહીના ફુવારા ઊડે એવી ઉત્તપ્તતા કિમી અનુભવતી. કોઈ પણ બહાને, નિમિત્તે ક્લાસના અંતે કિમીને પ્રોફેસરની પાસે જવાનું, એની પાસે ઊભવાનું, એને કશોક પ્રશ્ન પૂછવાનું, અને બસ પ્રોફેસરના તેજવર્તુળમાં નહાવાનું ખેંચાણ થતું. અનાયાસે જાણે એના હાથ લંબાતા, પ્રોફેસરના કોટને અડકવા, જાણે તેના બદનની ગરમીને ચૂસવા, જાણે પ્રોફેસરનો એક ‘પાર્ટ’ બનવા. ક્લાસના છોકરા છોકરીઓ તેની હાંસી કરતાં. કિમીના લોકરમાં છોકરાઓ યૂઝ્ડ કોન્ડોમ સરકાવી ચિઢવતા. છોકરીઓ કિમીને ‘ધેટ બ્રાઉન નોઝર’ કહેતી.

આપોઆપ પ્રોફેસર સાથે એક પ્રકારની મૈત્રી થઈ. પહેલી વાર ડેઇટ ઉપર ગયા ત્યારે કુદરત શાબાસી આપતી હોય એવી અદભુત લાગણી થયેલી કિમીને. યસ, યસ, તેને શારીરિક ઉત્તેજના તો હતી જ પણ પ્રોફેસરની હાજરી કિમીને સુરક્ષા કવચ જેવી લાગતી. પ્રોફેસર તેનો હાથ પકડે ત્યારે હાથનું હોવું સાર્થક થતું લાગતું. ક્રમે ક્રમે પ્રોફેસરે એમના દોસ્તો સાથે ઓળખાણ કરાવેલી. એ લોક ગુજરાતીમાં વાતો કરતા પણ તેમના હાવભાવ અને સ્વર ઉપરથી એમનો ફિટકાર કિમી પામી જતી. વચ્ચે વચ્ચે ગ્રીનકાર્ડ શબ્દ બોલાતો અને કિમી સમજી જતી કે આ લોકો કિમીને લુચ્ચી ગણે છે. ગ્રીનકાર્ડ માટે પ્રોફેસરને ફસાવે છે ને ત્રણ વર્ષની કાયદેસરની મુદ્દત પછી કિમીને ગ્રીનકાર્ડ મળી જાય ત્યાં સુધી એ ઘરડા પ્રોફેસરને બગલાવી લેશે, ને પછી બાયબાય, ને સો લોન્ગ ને સી યુ લેટર! કિમીને એ વસ્તુ છૂરા જેવી લાગેલી પણ પણ પોતે કશું સમજી નથી એવા દેખાવથી ચૂપ રહેલી. પ્રોફેસરને પોતે પસંદ છે, એન્ડ ઓફ સ્ટોરી. અને લગ્ન થયાં. પ્રોફેસર સામેથી ચર્ચમાં લગ્ન કરવાનું સૂચન કરેલું. કિમીએ સામેથી પ્રિનપ્ચુઅલ એગ્રીમેન્ટ સાઇન કરવા ઇચ્છા બતાવેલી. તોયે પેલા દોસ્તો વેડિંગમાં નહીં આવેલા. જે દોસ્તો આવેલા તેઓ છૂટથી કિમી સાથે ફ્લર્ટ કરતા જાણે કિમી સહિયારી ‘ડિશ’ હોય. એમની વાતો પણ ગુજરાતીમાં થતી અને એનો મરમ પણ કિમી પામી જતી. કાચી કાકડી જેવી કિમી જેટલા દિવસ મળે એટલા દિવસ નિરંજને ભોગવી લેવી અને છૂટા થવાનું હોય ત્યારે શાંતિથી જવા દેવી. કિમી સલૂકાઈથી એમને દૂર રાખતી. પ્રોફેસર તેને કહેતરા, આઇ લવ યુ. કિમી જવાબ દેતી આઈ એડોર યુ.

કિમીની મોટી બહેન શાંઘાઈમાં હતી. પેરેન્ટ્સ ચીનના કોઈ ગામડામાં. કિમીને એની મેરિડ બહેન કહેતી કે તને ગમે છે તો જરૂર લગ્ન કર અને વરને સુખી કર. ઉંમર કે ગ્રીનકાર્ડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. લગ્ન બાદ તરત નાયગ્રાના રિઝોર્ટમાં પહેલી રાત ગાળ્ય પછી કિમીએ જાતને કહેલું કે બસ, હવે નાયગ્રામાં કૂદીને મરી જવું પડે તોયે કોઈ રંજ નથી. હવે નો એએક દિવસ બોનસમાં મળે છે. પ્રોફેસર ને હું; હું ને પ્રોફેસર. જિંદગીની શરૂઆત, મધ્ય ને અંત. બીજા કોઈની, કશાયની જરૂર નથી. કોઈ વાતે ડિસએગ્રીમેન્ટ નથી. કિમીને બીજી ખાસ ગર્લફ્રેન્ડ્ઝ નહોતી. લગ્ન પછી સરળતાથી કિમીએ પ્રોફેસરનો સ; સાર સંભાળી લીધો હતો. હાઉસકીપરને છૂટી કરવા કહ્યું તો પ્રોફેસરે કહ્યું કે તારામાં ટેલેન્ટ છે તો તું જોબ લઈ લે; હાઉસકીપરમાં હાઉસકીપિંગની ટેલેન્ટ છે તો તેને તે કરવા દે. રોજ સવારે કિમી સૂરજને થેન્કયુ કહેતી. મારી અને પ્રોફેસરની વચ્ચે જે સ્ટ્રિંગ છે, કિમી વારંવાર જાતને કહેતી, તે સ્ટ્રિંગ પોતે એક લાઇવ ઓર્ગેનિઝમ છે. શ્યોર અમારી વચ્ચે એક સેક્સુઅલ કેમિસ્ટ્રી છે, પણ તેથી વિશેષ કોઈ કોઝમિક કેમિસ્ટ્રી અમને બંનેને એક આદિમ તારથી બાંધી રાખે છે. જાતીય સંતોષ ખાતર સાથે જોડાયેલા હોવાની જરૂર નથી. પ્રોફેસર મારો છે તે એહસાસ મને પૂર્ણ કરે છે.

ઊંઘમાં કિમીના હાથ આપોઆપ લંબાય છે અને લોહચુંબકની જેમ એના હાથમાં ગોઠવાઈ જાય છે કુંડાળું વાળીને પડેલો પ્રોફેસરનો પ્રોફેસર. બીજા છોકરાઓ મને અડકે ને સૂગ ચડે છે; પ્રોફેસરનાં નસકોરાં મને ઉત્તેજિત કરે છે. પ્રોફેસર ને હું, હું ને પ્રોફેસર, છૂટાં હોઈએ તોપણ સાથે છીએ ને સાથે હોઈએ ત્યારે જાણે એક નાકે શ્વાસ લઈએ છીએ ને એક કંઠે ગીત ગાઈએ છીએ. કિમી હસી પડે છે. સો વાતની એક વાત એ છે કે કિમી રોજ ‘મરી જવાના’ વિચાર કરે છે; આટલા સુખ પછી જો જરા પણ ઓછું સુખ આવે તો જિરવાશે નહીં. પણ મરવા જતાં પહેલાં હજી એક દિવસ ભોગવી લેવા દે ને, સિલી! ઓકે, ઓકે, કિમી સિલી છે. એક વાક્યમાં કહેવું હોય તો પ્રોફેસર પાસે કિમી પાવરલેસ છે. ધેટ્સ ઇટ. એન્ડ આઈ હોપ, પ્રોફેસર કાયમ તે પાવર ભોગવશે ને મને જીવતી રાખશે.

(૩)

બ્રેકફાસ્ટ ટેબલ ઉપર રોઝેલાએ બ્રેકફાસ્ટની તૈયાર કરી રાખી છે. નિરંજન આવી ગોઠવાય છે. કિમી આવી હંમેશની માફક નિરંજનના ખભે નાક ઘસે છે. ઝીણી ઝીણી બચી ભરતાં તેના કાન કરડે છે. નિરંજનની આંખોના ડોળા ચાટે છે, તેને પાસે ખેંચીને નિરંજન તેના ગોળાકારો ઉપર વસનાભર્યો હાથ ફેરવે છે. ગોડ, લાઇફ ઇઝ સ્વીટ.

‘મારે એક વાત કહેવી છે. ’

કોણ બોલ્યું? કિમી? નિરંજન? રોઝેલા રોજનું શોપિંગ કરવા જાય તે પછી નિરંજન કહે છે, ‘મારે એક વાત કહેવી છે. ’

નિરંજને કિમીની સામે તાકતાં કહ્યું. ‘મારો એક દોસ્ત છે, યુ નોવ હિમ. વિપુલ. વિપુલ કહે છે કે ગ્રીનકાર્ડ માટે ઇન્ડિયન લોકો પંદર પંદર લાખ રૂપિયા આપવા તૈયાર છે. ’

કિમી નિરંજનને તાકી રહે છે. જરી વાર કોઈ કશું બોલતું નથી. પછી નિરંજન કહે છે, ‘એક વિધવા લેડી છે, એને બે બાળકો છે. કહે છે કે હું જો તેની સાથે પેપર મેરેજ કરવા તૈયાર થાઉં તો મને પિસ્તાલીસ લાખ રૂપિયા મળે. ’

કિમી કશું બોલ્યા વિના તાકી રહે છે. ‘વ્હોટ ઇફ. . . વ્હોટ ઇફ. . . આપણે પેપર ડિવોર્સ લઈએ. . . જસ્ટ પેપર ડિવોર્સ. આપણે રહીએ છીએ એમ જ રહેવાનું છે. યુ લિવ હિયર. વી લિવ ટુગેધર. નથિંગ ચેન્જીઝ. પેપર ડિવોર્સ. એક વર્ષ પછી એ વિડો સાથે હું પેપર મેરેજ કરું. અને ત્રણ વર્ષે એ લોકોને ગ્રીનકાર્ડ મળે એટલે એને પેપર ડિવોર્સ આપી આપણે ફરી લગ્ન કરીએ! વી યૂઝ ન ધ મની ફોર એ વર્લ્ડ ટૂર. . . ’ નિરંજન બોલે છે. તે પછીની યોજના સમજાવે છે. કિમી કાંઈ બોલ્યા વિના સ્મિત કરે છે. નિરંજન તેની પાસે જાય છે. ‘યુ લાઇક ધ આઇડિયા?’

કિમી ખુશીથી ઊભી થાય છે. ‘તમે જે કહો તે, મને કોઈ વાંધો નથી. ’

‘ધેટ્સ માય ગર્લ. ગિવ મી એ હગ!’ નિરંજન એને ભેટે છે.

‘મારે તને એક સરપ્રાઇઝ આપવો છે. ’ કિમી આંખો નચાવી નિરંજનને કહે છે.

‘શ્યોર!’

‘પહેલાં આંખો બંધ કરો!’ કિમી હુકમ કરે છે.

‘કરી. ’

‘હેય! નો ચીટિંગ. ક્લોઝ યોર આઇઝ! ક્લોઝ યોર આઇઝ!’

‘યસ. ’ નિરંજન આંખ બંધ કરવાના દેખાવ સાથે

‘બંધ’ કરે છે. કિમી ઊભી થાય છે, તેનાથી દૂર દૂર જતી જાય છે.

‘હેય હેય! કીપ યોર આઈઝ ક્લોઝ્ડ!’

‘યસ, ક્લોઝ્ડ. ’

કિમી દૂર દૂર જતી જાય છે. લક્ઝરી કોન્ડોના કિચનમાંથી મોટા હોલ તરફ કિમીની કાયા લસરતી લસરતી દૂર દૂર જતી જુએ છે, પ્રોફેસર નિરંજન બાડી આંખે.

‘હું કહું નહીં ત્યાં સુધી આંખો ખોલવાની નહીં! સ્ટોપ ઇટ! નો પીઇકિંગ! ક્લોઝ ક્લોઝ ક્લોઝ યોર આઇઝ!’

‘નો પીઇકિંગ. માય આઇઝ આર ક્લોઝ્ડ. ’ સહેજ ખુલ્લી પાંપણોની કિનારની આરપાર સફેદ ગાઉનમાં વીંટળાયેલું કિમીનું ગદરાયેલું બદન દૂર દૂર જતું જાય છે.

‘નોટ યેટ, નોટ યેટ. કીપ યોર આઈઝ ક્લોઝ્ડ. . . ’ કિમી ગેલેરીમાં જાય છે.

અને અચાનક કિમી અલોપ! ત્રાડ પાડીને નિરંજન ગેલેરીમાં દોડે છે. સિનેમા જોતો હોય તેમ નીચે જુએ છે: બાવીસમા ફ્લોર ઉપરથી કિમીનો ગાઉન હવામાં પાંખોની જેમ ફેલાયેલો છે, ચકરાવા લે છે, વાળ ઊડે છે, કિમીના હાથ હોરિઝોન્ટલ બેઅલે નૃત્ય કરતા હોય એમ હવામાં નયનરમ્ય આકૃતિઓ દોરે છે.

ગાંધીનગર, 09 જાન્યુઆરી 2013
madhu rye thaker
translation, interpretation in languages of india
phone 201 792 6323 * cell 551-208-4157 * fax 801-880-4402
email address : madhuthaker@yahoo.com

Please send your feedback to the author of this story.

Blog at WordPress.com.